સાખી:- કળીકાળ છે કારમો અને દુ:ખીયો છે સંસાર,
હે... ભક્ત કારણ અંબિકા, તમે ક્યારે ધરશો અવતાર.
કે સમય પલટ્યો ભારતનો માં વ્હારે વહેલા આવજો
રૂદન ભૂખ્યા માનવ કેરા સાંભળવાને આવજો.......... સમય પલટ્યો ભારતનો માં
સાખી- એક ઘરમાં વૈભવોનાં ગાન જો સંભળાય છે;
બીજે ઘરે જ્યાં ભુખથી જીવ ઉડી જાય છે...
તો.......ખબર લેવા રંકજનની ઝુંપડીએ આવજો................ સમય પલટ્યો ભારતનો માં
સાખી- કોઈને છે અન્ન ઝાઝું પેટને ભરવા છતાં;
મળતું નથી માં કોઈને રાતદીન રળવા છતાં;
તો.......એ ભુખ્યાને ભોજન દેવા અન્નપૂરણા થઈને આવજો... સમય પલટ્યો ભારતનો માં
સાખી- માતાનાં ખોળામાં બાળક દૂધ વિના જો ને રડે ,
પણ ભૂખી માંના પેટ જો ને અન્ન વિણ ખાડો પડે;
તો......એ રઝળતા બાળ માં તારા ખોળે લેવા આવજો....... સમય પલટ્યો ભારતનો માં
સાખી- દુષ્કાળ જડબું ફાડતા માં કંઈક ભક્ષણ થઈ જતા,
અન્ન ને વસ્તરો વગરના કંઈક આજે રઝળતા;
તો..... પોષવાને સૃષ્ટિ તારી વૃષ્ટિ લઈને આવજો....... સમય પલટ્યો ભારતનો માં
સાખી- પુણ્યની પુંજી બધી માં આજ પરવારી ગયા.,
સ્વાર્થ કેરા પાપ પંથે આજ માનવ જઈ ચડયા;
તો....માર્ગ ભૂલેલા માનવ કાજે રાહી બનીને આવજો........ સમય પલટ્યો ભારતનો માં
સાખી- ભવ્યતા ભારત તણી માં આજ સૌ ભૂલી ગયા;
રામ કેરા રાજ્યમાં રાવણો ફાવી ગયા;
તો.....એ રાવણને મારવાને રામ બનીને આવજો........... સમય પલટ્યો ભારતનો માં
સાખી-ભકતજનને આજ માતા પાપીજન પજવી રહ્યા;
તો પણ તમારી ભકતીમાં ગુલતાન થાતા એ રહ્યા;
તો....રક્ષવા એ ભકત તારા સિહે ચડીને આવજો...... સમય પલટ્યો ભારતનો માં
સાખી- “યદા યદા” મન્ત્ર માતા આજ કાં ભૂલી ગયા ?
“સંભવામી યુગે યુગે” નાં શબ્દો ખોટા થઈ પડ્યા ?
તો......આજ પુકારે દીન આ બાળક જન્મ લઈને આવજો..... સમય પલટ્યો ભારતનો માં
No comments:
Post a Comment